એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે અને બધા જ પક્ષો પોતાની તૈયારીમાં લાગ્યા છે. કાર્યકર્તા પણ તડામાર તૈયારી કરી રહ્યા છે. હવે ટૂંક જ સમયમાં ચૂંટણીની તારીખો પણ આવી જશે. ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંકેત આપ્યા છે કે તેમની પાર્ટીમાં પૈસાની તંગી છે. આ ખુલાસો થતાં જ ખળભળાટ મચી ગયો છે.
વિગતે વાત કરવામાં આવે તો ખડગેએ આક્ષેપ કર્યો હતો કે જે બેંક ખાતાઓમાં લોકોનું દાન જમા કરવામાં આવ્યું હતું તે કેન્દ્ર સરકારે ફ્રીઝ કરી દીધા છે અને આવકવેરા વિભાગે પાર્ટી પર ભારે દંડ ફટકાર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ખડગેએ પોતાની વાત આગળ કરી કે દેશના બંધારણ અને લોકશાહીને બચાવવા અને કોંગ્રેસની જીત સુનિશ્ચિત કરવા આગામી લોકસભા ચૂંટણીમાં લોકોએ એકસાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ.
ખડગેએ પોતાની વાતમાં આરોપ લગાવ્યો કે ભાજપે કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા અને દંડ કરવા માટે આવકવેરા વિભાગની મદદ લીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ભાજપ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેલા હજારો કરોડ રૂપિયાનો ખુલાસો કરવા તૈયાર નથી. આ અમારી પાર્ટીના પૈસા હતા જે તમે લોકોએ દાન તરીકે આપ્યા હતા, તેમણે તે બધા ખાતાને ફ્રીઝ કરી દીધા છે અને અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી… જ્યારે તેઓ (ભાજપ) ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા આપી રહ્યા છે. ઉપરથી આ વાતનો ભાજપ ખુલાસો નથી કરી રહ્યા. કારણ કે તેમની ચોરી અને ગેરરીતિઓ પ્રકાશમાં આવશે એવી બીક લાગી રહી છે.
ગુજરાતના એક ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવાનો ઉલ્લેખ કરતાં ખડગેએ કટાક્ષ કરતાં કહ્યું કે, ‘તમે હજુ જીવિત છો, આવું નામકરણ કોઈના મૃત્યુ પછી કરવામાં આવે છે. જ્યારે વ્યક્તિ જીવિત હોય ત્યારે સ્મારકો બનાવવામાં આવતાં નથી.
Leave a Reply