બધી જ ચૂંટણીમાં અલગ અલગ કંપનીઓ અલગ અલગ પાર્ટીઓને પોતાની ઈચ્છા પ્રમાણે દાન આપે છે. ત્યારે આ વખતે પણ કરોડોનો વરસાદ થયો છે. જે આંકડા બહાર આવી રહ્યાં છે એ પ્રમાણે વાત કરીએ તો ભાજપને ચૂંટણી બોન્ડમાંથી કુલ રૂ. 6,986.5 કરોડનું દાન મળ્યું હતું અને પાર્ટીને 2019-20માં સૌથી વધુ રૂ. 2,555 કરોડ મળ્યા હતા. ચૂંટણી પંચ (EC)ના ડેટામાં આ વાત સામે આવી છે. એ જ રીતે કોંગ્રેસને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કુલ રૂ. 1,334.35 કરોડની રોકડી થઈ જ્યારે BJDને રૂ. 944.5 કરોડ, YSR કોંગ્રેસને રૂ. 442.8 કરોડ અને TDPને રૂ. 181.35 કરોડ રૂપિયા દાન સ્વરૂપે મળ્યા છે.
EC ડેટા અનુસાર ડીએમકેને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 656.5 કરોડ પ્રાપ્ત થયા હતા, જેમાં સેન્ટિયાગો માર્ટીનની આગેવાની હેઠળના ફ્યુચર ગેમિંગ પાસેથી મળેલા રૂ. 509 કરોડનો સમાવેશ થાય છે. તે જ સમયે તૃણમૂલ કોંગ્રેસને રૂ. 1,397 કરોડ અને BRSને રૂ. 1,322 કરોડ ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યા હતા.
ચૂંટણી પંચના આંકડા અનુસાર સમાજવાદી પાર્ટી (SP)ને 14.05 કરોડ રૂપિયા, અકાલી દળને 7.26 કરોડ રૂપિયા, AIADMKને 6.05 કરોડ રૂપિયા, નેશનલ કોન્ફરન્સને 50 લાખ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યા છે. ચૂંટણી પંચે રવિવારે ઈલેક્ટોરલ બોન્ડને લઈને નવો ડેટા જાહેર કર્યો છે. આ ડેટા પંચ દ્વારા સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવ્યો હતો. બાદમાં કોર્ટે કમિશનને આ ડેટા સાર્વજનિક કરવા કહ્યું હતું.
જો કે ચર્ચા એવી પણ છે કે આ વિગતો 12 એપ્રિલ 2019 પહેલાના સમયગાળા સાથે સંબંધિત છે. પંચે ગયા અઠવાડિયે ઉપરોક્ત તારીખ પછી ચૂંટણી બોન્ડ સંબંધિત વિગતો જાહેર કરી હતી. કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ 12 એપ્રિલ, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ અનુસાર ચૂંટણી બોન્ડ્સ સંબંધિત ડેટા સીલબંધ કવરમાં ફાઇલ કર્યા હતા.
પંચે કહ્યું, ‘રાજકીય પક્ષો પાસેથી મળેલા ડેટાને સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હતો. 15 માર્ચ, 2024 ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ પર કાર્ય કરતા, કોર્ટ રજિસ્ટ્રીએ સીલબંધ કવરમાં પેન ડ્રાઇવમાં ડિજિટલ રેકોર્ડ્સ સાથે હાર્ડ કોપી પરત કરી. પંચે આજે તેની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાંથી ડિજિટલ સ્વરૂપમાં પ્રાપ્ત ડેટા અપલોડ કર્યો અને સાર્વજનિક કર્યો છે.
Leave a Reply