સાયબર એટેક એ હાલની પરિસ્થિતિનો સૌથી મોટો ખતરો છે. લોકોએ પરસેવો પાડીને કમાણી કરી હોય અને આ ફ્રોડ કરનારા 2 મિનિટમાં આખું ખાતું ખાલી કરી નાખે છે. ત્યારે હવે જે સમાચાર સામે આવી રહ્યા છે એ ખરેખર ખતરનાક છે. રિઝર્વ બેંકે ભારતીય બેંકોને સાયબર હુમલાના વધતા જોખમ અંગે ચેતવણી આપી છે. સેન્ટ્રલ બેંકને આશંકા છે કે આવનારા દિવસોમાં કેટલીક ભારતીય બેંકો પર સાયબર એટેક વધી શકે છે. આ એલર્ટની સાથે રિઝર્વ બેંકે બેંકોને સાયબર સિક્યોરિટી સુધારવા માટેની સલાહ પણ આપી છે.
સાવધાની સાથે સલાહ
બેંકિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને ટાંકીને એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સેન્ટ્રલ બેંકે કેટલીક બેંકોને સાયબર એટેકના વધતા જોખમ માટે તૈયાર રહેવા કહ્યું છે અને જોખમ ઘટાડવા માટે સુરક્ષા વધારવાની પણ સલાહ આપી છે. આ ચેતવણીની સાથે રિઝર્વ બેંકે બેંકોને તે મુદ્દાઓ વિશે પણ જણાવ્યું છે જ્યાં તેઓએ સાયબર સુરક્ષા સુધારવા માટે કામ કરવાની જરૂર છે.
તાજેતરમાં સેન્ટ્રલ બેંકે સમીક્ષા કરી હતી
આરબીઆઈએ તાજેતરમાં બેંકોની જોખમ તૈયારીની સમીક્ષા કરી છે. આ માટે રિઝર્વ બેંક દ્વારા સાયબર સિક્યોરિટી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પરીક્ષા લેવામાં આવે છે, જેને CSight પણ કહેવામાં આવે છે. CSight માં, વિવિધ બેંકોની આપત્તિ વ્યવસ્થાપનની તૈયારી, ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મની ક્ષમતાઓ, છેતરપિંડી શોધ પ્રણાલી વગેરેની તપાસ કરવામાં આવે છે.
ડિજિટલ બેન્કિંગમાં વૃદ્ધિ સાથે જોખમો વધ્યા
ડિજિટલ બેંકિંગમાં વધારો થવાથી સાયબર હુમલાના જોખમો પણ વધી ગયા છે. આ કારણોસર સાયબર અને આઈટીની અલગથી સમીક્ષા કરવાની જરૂર છે. CSight હેઠળ RBI ની ઇન્સ્પેક્શન ટીમ તમામ બેંકોની IT સિસ્ટમ્સનું સંપૂર્ણ નિરીક્ષણ કરે છે. તપાસ દરમિયાન તે વસ્તુઓની ઓળખ કરવામાં આવે છે જે જોખમનું કારણ બની શકે છે. તે પછી, બેંકોને કેવી રીતે ઠીક કરવી તે અંગે સલાહ આપવામાં આવે છે.
Leave a Reply